નરેન્દ્રભાઈ, છેલ્લા થોડાક મહિનાઓથી ટીમ ઇન્ડીયા ઉપર જાણે શનિ મહારાજનો પ્રકોપ ચાલતો હોય, તેવું જણાય છે. જેને છ મહિના પહેલા ભારતીય ક્રિકેટ ઇતિહાસની સહુથી શક્તિશાળી ટીમ તરીકે બિરદાવવામાં આવતું હતું, તે આજે ધોબી નાં કૂતરાની જેમ ઘર અને ઘાટની વચ્ચે લબડી રહી છે. ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલીયાનાં હાથે બરાબરનો મેથીપાક ખાધા પછી, જ્યાં આજે ટીમ ઇન્ડીયાની બ્રાંડ વેલ્યુ તળિયે છે, ત્યાંજ પ્રશંસકોનું પ્રકોપ તે સાતમાં આસમાને. જોકે આઠ વારની ધોબીપછાડાટ ખાધા પછી પણ તેમને કોઈ સદબુદ્ધિ આવતી હોય, તેવું તેમના નિવેદનો ઉપરથી તો લાગતું નથી.
જોકે ટીમ ઇન્ડીયા દ્વારા આવું સામાન્ય પ્રદર્શન કોઈ પહેલી વખત કરવામાં આવ્યું નથી. પોતાનાં ઘરમાં એકાદ-બે ટૂર્નામેન્ટો જીતી આ સૂરમાંઓ વિદેશી ધરા ઉપર મોટા ભાગે નકામાં જ હોય છે. જો નજીકના કેટલાંક વર્ષોને આપણે બાદ કરીએ તો ભારતીય ક્રિકેટનું ભૂતકાળ તદ્દન ખરડાયેલું જોવા મળશે. તેમાં તો વળી બળેલા ઉપર જાણે તેઓ મીઠું છાંટતા હોય તેમ, ભારતની અંદર પોતાને જ મદદ કરતી પીચો ઉપર રમવાની તરફેણ પણ કરતા હોય છે.
ભારતીય ખેલાડીઓની આવી કાયરતાપૂર્ણ વાતો અને બીસીસીઆઈની મંદબુદ્ધિના લીધે જ તેજ બોલીંગની સામે આપણી ટીમો સહેલાઈથી હાથ ઊંચો કરી દેતી હોય છે. આપણે સ્વીંગ અને બાઉન્સ વાળી પિચો બનાવવાની ક્ષમતા રાખતા હોવા છતાં, બીસીસીઆઈની વલણની સામે ઝુકી જતા હોઈએ છીએ, તેવું નિવેદન સ્થાનીય ક્રિકેટ ખેલાડીઓ અને પ્રશિક્ષકો આપે છે. અને તેનું પરિણામ ઇંગ્લેન્ડ કે ઓસ્ટ્રેલીયાની ધરતી ઉપર પગ મૂકતાજ દેખાઈ આવે છે.
પણ ભારતીય ક્રિકેટની આ વાત માત્ર સ્વીંગ અને બાઉન્સ વાળી પિચો પૂરતી નથી. મુદ્દો રમતગમતની માનસિકતાનો પણ છે, જેની આપણે ત્યાં કોઈજ દરકાર નથી. મુદ્દો જીમ્નાસ્ટિકસ અને એથલેટિકસ જેવી શારીરિક અને માનસિક ઉત્કૃષ્ટતા માંગતી રમતોનું પણ છે, જેમાં આપણે ક્યાંય ઉભા નથી હોતા. અને વળી તે ઉણપ ક્રિકેટના મેદાને પણ દેખા દેતી હોય છે.
નરેન્દ્રભાઈ, તમે હમણાં જ ખેલ મહાકુંભનું આયોજન કરી ગુજરાત રાજ્યની યુવા પેઢીને શારીરિક અને માનસિક રીતે ચેતનવંતી કરવાનો અભિનવ પ્રયાસ કર્યો, જે એક પ્રશંસનીય કાર્ય હતું. પણ, જે પાયાની સુવિધાઓ અને વાતાવરણ અંતરરાષ્ટ્રીય સ્તરે સફળ થવા માટે જરૂરી હોય છે, શું આજે તે રમતવીરોને તમે આપી શકશો? ખરેખર તો આવશ્યકતા છે રમતગમતનાં આખા વહીવટી માળખાને તેના જડમૂળમાંથી જ બદલી નાખવાની. અને જ્યાં સુધી તેના માટે રમતવીરો, રમતના નિષ્ણાંતો અને પ્રશંસકો પોતે ખેલ નાં આયોજનમાં રસ લેતા ન બને, ત્યાં સુધી રમતનાં વિવિધ ક્ષેત્રો - પછી તે એથલેટિક્સ હોય કે ક્રિકેટ - માં આપણે નિરાશ થવાનું જ રહેશે.
તેમાંથી જે મુદ્દો ખાસ આંખે વળગે છે, તે છે રાજનેતાઓ, સરકારી અધિકારીઓ અને ઉદ્યોગપતિઓનું ખેલ સંસ્થાઓ ઉપરનું આધિપત્ય. શું આ લોકો પાસેથી પરિવર્તનની કોઈ પણ અપેક્ષા રાખી શકાય, અને શું તેઓ એમાં કોઈ દિવસ સાચા પડશેય ખરા? આજ સુધી તો એવું કાંઈ બન્યું નથી. ભવિષ્યની રામજ જાણે. હકીકત તો એ છે, કે જ્યાં-જ્યાં તેમનાં પગલા પડ્યા છે - અને કેટલાંકે તો પંદર થી વીસ વરસ પોતાની સંસ્થાઓમાં કાઢી નાખ્યા છે - ત્યાં આજે કુશાસન અને ભ્રષ્ટાચાર સીવાય બીજું કંઈ પણ દેખાતું નથી. ખેલ-વિધાઓની જે હાલત થઈ છે, વળી તેની તો ગણના પણ કેવી રીતે થાય?!
નરેન્દ્રભાઈ, તમેં એક ખેલ-પ્રેમી, એક મુખ્યમંત્રી અને જીસીએના વડાની રૂએ ઉપર જણાવેલ બાબતો ઉપર પોતાનું અભિપ્રાય વ્યક્ત કરો અને બને તેટલાં વહીવટી પરિવર્તનો લાવી રમતગમતને વધારે પડતું લોકપ્રિય બનાવવા પ્રયત્નશીલ થાવ, તેવું બધા ઈચ્છે છે.
તેને અનુલક્ષીને લોકોને તે જાણવું ગમશે, કે શું ક્રિકેટ અને બીજી રમતોમાં રાજનેતાઓ અને સરકારી બાબુઓના હસ્તક્ષેપને તમે યોગ્ય માનો છો? શું જીસીએના વડાની રૂએ તેનાં માળખાને વધારે પડતું ક્રિકેટ લક્ષી અને લોકતાંત્રિક બનાવવાની તમે કોઈ પહેલ કરેલી છે? કોઈને તો આ વ્યવસ્થા બદલવાની શરૂઆત કરવી પડશે, તો તમારા હાથેજ કેમ નહીં? શું જીસીએની બાગડોર તમે એવા લોકોને સોંપવા રાજી થશો, કે જેઓ ક્રિકેટ માત્રને પોતાનું સઘળું ધ્યાન અને સમય અર્પિત કરતા માગતા હોય?
ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલીયા સામેની ટેસ્ટ શ્રેણીઓમાં પછડાટ ખાધા પછી પણ સિનીયર ભારતીય ખેલાડીઓ રીટાયર થવા નથી માંગતા, તેવું તેમના નિવેદનો ઉપરથી જણાય છે. બીજી તરફ બીસીસીઆઈને જાણે ટીમ બાબતોથી કાંઈજ લેવું-દેવું નાં હોય તે જાતની તેણે ચુપ્પી સાધી લીધી છે. નરેન્દ્રભાઈ, લોકોને જાણવું છે કે તમે એક ક્રિકેટ હોદ્દેદાર તરીકે આ બધી બાબતો ઉપર કયા જાતનું મંતવ્ય ધરાવો છો? જો રાહુલ દ્રવિડ અને વીવીએસ લક્ષમણ જેવા સિનીઅર્સ રીટાયર નહિ થાય તો પછી ચેતેશ્વર પુજારા અને રોહિત શર્મા જેવા ખેલાડીઓનું શું થશે? જૂના ખેલાડીઓ જોડે મેચ હારવા કરતા, નવાને ચાન્સ કેમ ન અપાય?
અને જો ખેલાડીઓને પોતાની મરજી પ્રમાણેજ રીટાયર થવું હોય, તો આપણે એકની જગ્યાએ ૩ થી ૪ અંતર્રાષ્ટ્રીય ટીમોને કેમ નથી વસાવતા, જેથી જૂના અને નવા બંને જાતના ખેલાડીઓને રમવાનું તથા ક્રિકેટ પ્રેમીઓને તેમને જોવાનું લહાવો મળે. એક અબજથી વધારે લોકોના દેશમાં ખેલનું સાચેજ વિસ્તાર કરવા આટલું તો કરી શકાય.
કોઈ પણ રમતનાં વિકાસ માટે જનતાના પૈસાની જરૂર પડે છે, પણ જ્યારે તેનાથી સંલગ્ન સંઘોની રચના થાય ત્યારે પેલી જનતા આ પ્રક્રિયામાં ક્યાંય દેખાતી નથી. જેનું ધન ખર્ચાતું હોય, તેને વળી ખેલનાં સંઘો ચલાવવા શું કામ ના આપી શકાય?
શું તમે જીસીએ દ્વારા નિર્મિત પિચોનું કોઈ દિવસ પોતે મૂલ્યાંકન કરેલું છે? શું તમારા ખેલાડીઓને મળે છે તેના કરતા વધારે સ્પોર્ટીંગ વિકેટ્સ ઉપર રમાડવા તમે કોઈ દિવસ વિચારો કરશો?
ક્રિકેટમાંથી ઉપજતા નાણાં અને તેના દેશવ્યાપી માળખાને ભારતીય ખેલ જગતના પાયાને વિકસાવવા માટે પણ ઉપયોગમાં લઈ શકાય, પણ આપણે તેવું કરતા નથી. તો શું જીસીએ તે દિશામાં કોઈ નક્કર પગલાં ઉઠાવવાનું વિચારશે?