મોદીનાં સમર્થકો ને નવા વર્ષની ભેંટ-સોગાદ

નરેંદ્ર મોદીએ તેમના ઘણા સમર્થકોને ટ્વિટર ઉપર નવા વર્ષની સાથે 'ફોલો' કરવાનું શરું કરતા આ સમર્થકોમાં ઉલ્લાસની એક લાગણી ફેલાઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે શ્રી મોદી, કે જેમને  ટ્વિટર ઉપર સાડા ચાર લાખથી વધારે લોકો નિયમિત વાંચે છે, અત્યાર સુધી એકેય ટ્વિટર અકાઉન્ટને ફોલો કરતા નહતા. આ સમર્થકો માંથી મોટા ભાગનાને ટ્વિટર અને બીજી વેબસાઈટ્સ ઉપર નરેન્દ્ર મોદી ની તરફેણમાં વાદ-વિવાદ કરતાં જોઈ શકાય છે, માટે તેઓ મોદી ની આઈટી ટીમ નાં રડાર ઉપર લાંબા સમયકાળથી હતાં, તે એક સ્વાભાવિક બાબત છે.

આ પહેલાં મોદીની આઈટી ટીમ દ્વારા  મશાબેલનાં વેબ-પુરસ્કારો માટે નરેન્દ્ર મોદીનું નામાંકન કરાંતા, મોદીની તરફેણમાં મતદાન કરવા માટે એક મોટી ઝુંબેશ હાથ ધરાઈ હતી. જોકે તેમાં બરાક ઓબામાને વિજયી જાહેર કરાંતા મોદીના સમર્થકોમાં નિરાશા નાં મોજા ફરી વળ્યાં હતાં. અને તે પણ એ હદે કે ઘણાએ મશાબેલને જાણી જોઈને મોદીને પરાસ્ત કરવા માટે મતદાનના નિયમોથી છેડછાડ કર્યાનો દોષારોપણ પણ કરી નાખ્યું હતું. પણ હવે મોદીનાં ટ્વિટર અકાઉન્ટ દ્વારા આમાંથી ઘણાને ફોલો કરાતાં, તેમના સમર્થકોમાં સંતોષનો એક ભાવ પણ દેખાઈ આવે છે, અને સાઈબર પ્રચારના વધતા મહત્વ વિષે સુચન પણ કરે છે.

પણ જે સૂચક બાબત આખી વાર્તા માંથી ખરેખર આંખે વળગી જાય છે, તે તો નરેન્દ્ર મોદીના વિરોધી ખેમા, એટલેકે યૂપીએ નાં સાઈબર-પ્રચાર-પ્રસારની ઉદાસીનતા વિષે છે. જે કદાચ તેમના નિયમિત વોટ-બૈંક પ્રત્યેના આત્મવિશ્વાસ અને મુખ્ય-પ્રવાહના સમાચાર માધ્યમોથી મળતાં સમર્થનની ચાડી પણ ખાતું હોય. તે સિવાય, કોંગ્રેસમાં વર્ષોથી ચાલતા વંશવાદ અને તેના લીધે ઉદ્ભવતાં નેતા અને જનતા વચ્ચેના વર્ગભેદને પણ સૂચવતું હોય, તેવું માની શકાય. શું નરેન્દ્ર મોદી ની જેમ તમે મનમોહન સિંઘ, સોનિયા અને રાહુલ ગાંધી ને પણ મતદારો જોડે સંવાદ કરતા કોઈ દિવસ વિચારી શકો છો? તમારું જવાબ નાં માં હોય  તે ઘણું જ સ્વાભાવિક છે.

પણ કદાચ મોદીના વધતા વ્યાપને જોઈ કોંગ્રેસ આ વિચાર બદલી પણ નાખે અને ૨૦૧૪ પહેલાં એક નવું વેષ પણ ધારણ કરે. અને જો આવું કાંઈ બની જાય તો પણ મોદી નાં સમર્થકોની એક મોટી ફોજ પહેલાંથી મુકાબલો કરવા સજ્જ હશે, તે વાત તો નક્કી જ.